જ્યોત સે જ્યોત જગાતે ચલો……


એક સવાલ કે “દુનિયામાં દરરોજ સૌથી વધુ કોણ મરે છે ?”

અને એનો સચોટ જવાબ, “દુનિયામાં સૌથી વધુ ઇચ્છાઓ મરે છે…”

એક દ્રશ્ય છે. દિવાળી હમણાં જ ગઈ. બધા એ દીવાઓ જલાવીને મનાવી હશે. મારા ફળિયામાં એક પવનની લહેરખી આવી અને લગભગ બધા દીવા ઠરી ગયા. ફક્ત એક જ દીવો માંડ માંડ પ્રજ્વલિત હતો. મેં તરત જ જઈને એનાથી બીજો એક દીવો સળગાવ્યો અને જોત જોતામાં પેલો દીવો ઠરી ગયો. નવો સળગી રહેલા દીવાથી મેં બાકીના બધા દીવા ફરી સળગાવ્યા. આ ૩ મિનીટના ગાળામાં જે બન્યું એણે મને ભલા ની યાદ કરાવી દીધી.

ઝીંદગીની બહુ નજીક રહીને જીવતા એવા ભલા ની વાત છે. ભલા વિષે થોડું કહું તો એ વ્યક્તિ જે માણસને જોતા જ પારખી જતો. પોતે ભલે ૨૫ વર્ષનો યુવાન હતો પણ માણસને ઓળખવાની આવડત એનામાં અજબની હતી. એમના પરિવારમાં ભલા સિવાય કોઈ નહી. એ પોતાની પાસે આવતી માસિક ૧૫૦૦૦/- ની આવકમાંથી ૬૦૦૦/- બચાવતો અને આ બચત સારા કામોમાં વાપરતો અને પોતાને જરૂર પુરતું પોતાના માટે રાખતો. સારા કામો એટલે ભગવાનને પ્રસાદ ચડાવાની કે સોળ ઓઢાડવાની વાત નથી હો.. વાત છે લોકોને સાથે લઈને આગળ વધવાની. ભણીને આગળ વધવા માંગતા ગરીબ બાળકોને ભણાવવા એ એમનો આદર્શ વિચાર હતો. પોતાના જીવનમાં પાછળ રહી ગયેલા લોકોને આર્થિક સહાય કરી અને આગળ લાવવાની એની ઈચ્છા હતી.

આજથી પાંચ વર્ષ પહેલાની વાત છે. એમણે એક ગરીબ વિદ્યાર્થીને (નામ એનું ઓજસ) એન્જીનીયરીંગ ભણવા માટેની બધી ફી ભરવાની જવાબદારી ઉપાડી. ક્યારેક બચાવીને તો ક્યારેક ખેચતાણ હોય ત્યારે વધુ નોકરી કરીને એ ફી ભરતો હતો. એક અંદાજીત આંકડા પ્રમાણે લગભગ ૧૧૦૦૦૦/- જેટલી ફી એને ૫ વર્ષમાં ભરી હતી. આજે હું ભલા અને ઓજસ બંને ને મળ્યો. ઓજસ હવે એન્જીનીયર છે અને આજે જ એને સારામાં સારી કંપનીમાં ૨૫૦૦૦/-ના વેતનથી નોકરી મળી છે. ઓજસની આંખોમાં પાણી હતા અને એક જ વાક્ય બોલી રહ્યો હતો, હવે કોઈ પણ બાળકને જરૂર હોય ભણવા માટે આર્થીક મદદની તો મને કહેજો. હવે હું બીજા ૩ બાળકો ને ભણાવીશ અને પગભર બનાવીશ. એને કેટલું મહત્વ સમજાયું હતું કે કોઈની મદદ એક વ્યક્તિની જીંદગી કેટલી બદલી નાખે છે. કાશ એ સમજવા માટે ગરીબ હોવું જરૂરી નહોત.

ભલો એક નવયુવાન હતો અને સામાન્ય યુવાન જે જલસા કરે છે એ જ જલસા એ પણ કરી શકતો હોત પણ એ કદાચ વધી રહેલા ૬૦૦૦/- નું મહત્વ સમજતો હતી કેમકે એણે ગરીબીને લીધે અધુરી રહી ગયેલી એની ઇચ્છાઓ એક કબર નીચે દબાવી દીધી હતી. હવે ભલાની એક જ ઈચ્છા હતી કે બને એટલા વધુ લોકોની ઈચ્છા પૂરી કરવાની અને ગરીબને આગળ લાવવાની.

વિકાસ અને સફળતા એ નથી કે તમે એક આર્થીક સક્ષમતા મેળવી લો અથવા નક્કી કરેલા લક્ષ્યને મેળવો. સાચી સફળતા એ છે કે તમે તો આગળ વધો જ પણ સાથે સાથે તમારી આસપાસ પાછળ રહી જતાને પણ આગળ લાવવાની કોશિશ કરો. કદાચ ૯૯% યુવાનો આ વાત ક્યારેક નથી સમજતા. આ લેખ કોઈ સાહિત્યિક છણાવટ માટે નથી લખ્યો પણ યુવાનોને થોડું સમજાવા માટે લખ્યો છે. ઐયાશી અને શોખ પાછળ હજારો રૂપિયા વેડફતા લોકો માટે લખ્યું છે. આશા રાખું કોઈ એક યુવાન પણ આ વાત સમજી પોતાનું જીવન જીવવાની શરણી બદલશે અને આ એક ઓજસ જેવા અનેક ઓજસ ઉભા કરશે. કદાચ આવું કરવાથી જ ગરીબી અને નિરક્ષરતા પણ દુર કરી શકાશે. મેં તો નિર્ણય લીધો છે ભલાની જેમ જ જીવવાનો. આશા રાખું હું પણ આવા અનેક દીવાઓ પ્રગટાવી શકું.

(સત્ય ઘટના પર આધારિત, ફક્ત નામ બદલ્યા છે.)

  • હિતાર્થ ઢેબર

(dhebarhitarth@gmail.com)

સંબંધોની પૂજા….


ઘણા લોકો દરિયા કિનારે જાય છે તો પગ ભીના કરી છબછબીયા કરી પાછા ફરે છે, ઘણા માછલીઓ પકડી પાછા ફરે છે અને ઘણા દરિયાના છેક તળિયે જઈ મોતી શોધી લાવે છે. સંબંધો નું પણ કઈક આવું જ છે. ઘણા સંબંધો ફેસબુકના ફ્રેન્ડસ પૂરતા મર્યાદિત હોય છે જેને કાચના સંબંધ કહી શકાય એને તુટતા વાર નથી લાગતી. અને ઘણા સંબંધો એવા હોય છે જેમાં રોજ poke કરવાની જરૂર નથી પડતી પણ બસ લાગણીના તાંતણે બંધાયેલા હોય છે. ત્યાં ભલે દરરોજ વાત નથી થતી કે મળી નથી શકાતું પણ એક વિશ્વાસ હોય છે કે મારે કઈ જરૂર હશે તો આ જરૂર મારી પડખે ઉભો હશે કે ઉભી હશે. આ વિશ્વાસ જ્યાં મળી આવે એ સાચ ના સંબંધ. પછી એ સંબંધને નામ કઈ પણ આપી શકાય જેમ કે મિત્ર, ભાઈ-બહેન, પતિ પત્ની, પિતા પુત્રી કે માતા અને પુત્ર કે પછી બીજો કોઈ સંબંધ.

આમ તો સંબંધો વિષે લખવાનું મારું ગજું નહિ પણ ક્યારેક લાગણીઓ લખવા મજબુર કરીદે છે. રક્ષાબંધન હમણાં જ ગઈ. મને એક નવી નાની બહેન મળી જેને હું એક વર્ષ પહેલા ઓળખતો પણ નહોતો કે આવું કોઈ છે. મને એક ઈ-મેઈલ મળ્યો. આ ઈ-મેઈલ વાંચી હું એટલો ખુશ થઇ ગયો કે વાત ના પૂછો. વાત એમ બની કે એ ઈ-મેઈલમાં મને ઈ-કાર્ડ મોકલ્યું હતું રક્ષાબંધન wish કરવા માટે. અંદર જે મેસેજ હતો એ વાંચી મને મજા પડી ગઈ. એના શબ્દોમાં ભલે નહોતો માર્મિક નીચોડ અને સામાન્ય સાંભળેલા શબ્દો જ હતા છત્તા પણ એક એક અક્ષરમાં લાગણી નીતરી રહી હતી. અમારા વચ્ચે એક વખત વાતચીત થયેલી મારી ઈચ્છાઓ વિષે એ પણ એને અક્ષરસઃ યાદ હતી અને એ પૂરી થાય એવી એને wish મેસેજમાં લખેલી.

કેટલી સારી સંભાળ. વાંચતા જ અનુભવાય કે કોઈ છે જે ખરેખર આપણું સારું ઈચ્છે છે અને એ પૂરું થાય એવું એમની પણ ઈચ્છા છે. અહિયાં કોઈ સ્વાર્થ નહોતો. આવા સંબંધો બાંધવા કે પછી એને સાચવવા નથી પડતા. એ બસ હોય છે. અને સંબંધ આવા જ હોવા જોઇએ જ્યા કોઇ બંધન નથી. એને જ સંબંધ કહેવાય. આવા સંબંધોમાં જવાબદારી ઓછી અને હક્ક વધુ હોય છે. સ્વાર્થ ઓછો અને મમતા વધુ હોય છે. હાજરી ઓછી હોય શકે પણ સાથ હંમેશા હોય છે. અહિયાં ગેરસમજને હસી ઉડાવવા માટે જ વપરાય છે.

મોટા મોટા લોકોમાં જે આવડત નથી હોતી સંબંધો નિભાવવાની એ મેં એક ૨૦ વર્ષની છોકરીમાં જોઈ. હું મને વધુ તાકાતવાન માનવા લાગ્યો કે મારા હિસ્સામાં આવા ઘણા સંબંધો આવેલા છે. અને સાથે સાથે હું આ બહેન અને બીજા બધા મારા હિતેચ્છુઓને એટલું જ કહીશ કે મારી ઈચ્છાઓ તો ક્યારનીય પૂરી થઇ ગઈ છે. બસ તમારા જેવા લોકો મને મળતા રહે એ જ મારી ઈચ્છા છે. અને હું મારી બધી બહેનો, મિત્રો અને લગતા વળગતાને રક્ષાબંધન નિમિતે promise આપું છું કે હું હંમેશા તમારી સાથે છું. બસ હુકમ કરજો.

સંસ્કારોનાં અંતિમ સંસ્કાર


મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, કે પ્રભુ તારા બનાવેલા આજે તને જ બનાવે છે..!!

ખુબ જ વ્યસ્તતા હોવા છતાં પણ લખવા મજબુર કરી દે એવો થયેલો એક અનુભવ; એક નહિ, થયેલા અનેક અનુભવો…!!! વાત મારી કલમની હોય એટલે આંગળી ભગવાન પર પહેલા ઉઠે પણ આજે મને કહેવાતા ઈશ્વર પર પણ દયા આવી ગઈ..!! એકબાજુ મહાભારત અને રામાયણ કે પછી ભગવદ ગીતા જેવા સમૃદ્ધ વાંચનલાયક તેમજ જીવનમાં ઉતારવા લાયક સિદ્ધાંતો આપતા પુસ્તકો ધરાવતો ધર્મ જયારે બીજી બાજુ હવસ, હેવાનિયત, જેવા અનેક દુર્ગુણોવાળા લોકોથી ભરેલો એ જ ધર્મ.

કહેવાય છે કે નવરાત્રી એટલે માતાજીના નવ જુદા જુદા અવતારોનો ધર્મ, દરેક અવતાર કંઈક શીખવે છે. ગણેશ ચતુર્થી એટલે દુર્ગુણોનું વિસર્જન કરવાનો પર્વ. પણ આ બધું કહેવા પુરતું બની ગયું છે. વાસ્તવમાં તો ગણપતિ ના વિસર્જન સાથે દુર્ગુણો ને જન્મ અપાય છે. મારી નજરે જોયેલો અને તમામ લોકો એ અનુભવેલી આ વાત છે પણ તો પણ બાહ્યાડંબરના ભાગ રૂપે ઘણા આનો વિરોધ કરશે. સાચું કહુ તો બહુ ઓછા એવા લોકો હશે જે ગણેશ ચતુર્થી શ્રદ્ધા થી ઉજવાતા હશે અને બાકીના ૯૦% લોકો ફક્ત DJ માં નાચવા, દારુ પીને છાકટા થવા અને આખી રાત જુગાર રમવા માટે જ આ તહેવાર મનાવતા હોય છે. પોલીસતંત્ર વળી કટકી કરવાના મોકા માટે રાહ જોતી હોય એ સ્વાભાવિક વાત છે.

પછી થોડા દિવસ પછી આવે નવરાત્રી. નવરાત્રી એટલે યુવા વર્ગ માટે વાસના અને હવસ સંતોષવાનો પર્વ. પેટ્રોલના ધુમાડા અને નફટાય કરી છોકરીઓને હેરાન કરવાનો તહેવાર. વળી બીજી બાજુ છોકરી પણ દુધની ધોયેલી નથી. પીઠ અડધી ખુલી રાખી ટેટુ લગાડતી છોકરીઓ કે પછી એને ઘૂરી ઘુરીને જોતા છોકરાઓ બંનેમાં દેખાય છે એક જ વસ્તુ, “સંસ્કારોની નાગાઈ”.

છેલ્લા ૩ વરસથી હું નિહાળી રહ્યો છું એ વાત આજે કહીશ. પ્રથમ અને બીજા નોરતે સારાઈ બતાવી મિત્રતા કેળવવાની, પછીના દિવસોમાં એને ગાઢ બનાવવાની અને અંતીમ બે ત્રણ દિવસોમાં એકબીજાની જરૂરિયાતો સંતોષી કોઈ વિના કારણ કારણ ઉભું કરી છુટું પડી જવાનું. પહેલા દિવસે જે ગલીએ ખૂણામાં ઉભા રહી નજીકની પળો માણી હોય એ જ જગ્યા એ અફસોસના આંસુ સાથે રડવાનું. મારા ઘર અને ઓફીસ વચ્ચે ૩ ગલી આવે છે. વ્યસ્તતાના કારણે રોજ એકાદ વાગે  ઘરે જાઉં ત્યારે બે થી ત્રણ આવા કપલો મળી જ જાય જે માં બાપના વિશ્વાસને ઘોળીને પીતા હોય અને એ પણ એવા સાથે જેને ૨ કલાક પહેલા ઓળખતા પણ નહોય. ક્યાં ગામડાની ગરબી અને ક્યાં શહેરના હાઈ ફાઈ ગરબા. રમનારાઓ ને આવો લાભ અને યોજવાવાળાઓને આર્થિક લાભ.

એક આવા જ અનુભવનો ભોગ બનેલી એક સ્ત્રી ની વાત કહું તો એ સ્ત્રી સાથે આવું જ થયેલું. ‘સ્ત્રી’ કહેવું કે ‘છોકરી’ એ તો મને પણ નથી સમજાતું. આઠ દિવસમાં બંને એ સહવાસ પણ માની લીધો. એ વખતે છોકરીની ઉમર હતી ૧૬ વર્ષ. આજે એ છોકરી ૨૦ વર્ષની છે અને એને ૩ વર્ષની એક પુત્રી છે. એ નવ દિવસની ભૂલ એ છોકરી એ તો સિફતથી સ્વીકારી છે પણ છોકરાનો કોઈ પત્તો નથી. આ એક આવો કેસ નથી. એક અહેવાલ પ્રમાણે આ નવ દિવસ દરમ્યાન ગર્ભ નિરોધક દવાઓ અને નિરોધ જેવી વસ્તુઓ ના વેચાણમાં ૧૧૭ ગણો ઉછાળો જોવા મળે છે. અહિયાં વાત અટકતી નથી, ડોકટરો ને પણ પોતાની વરસની કમાણી ૩-૪ ઓપરેશન કરવામાં મળી જાય છે. ક્યાં ઓપરેશન એ મારે સ્પષ્ટ કહેવાની જરૂર જણાતી નથી.

આવા અનુભવોને બહુ સાચા શબ્દો આપતી રાહત ઇન્દોરીની બે લીટીનો એક શેર જરૂર કહીશ,

लोग हर मोड़ पर रुक रुक के चलते क्यों हैं ? इतना डरते हैं तो घर से निकलते क्यों हैं ??

मोड़ होता हैं जवानी का संभलने के लिए, और सब लोग यहीं आके फिसलते क्यों हैं..!!!

મને લાગે છે એ પ્રમાણે હિંદુ ધર્મના પ્રખર લોકો આ લેખ પર વિરોધ વ્યક્ત કરશે કેમકે મારા શબ્દો આક્રમક છે પણ એમાં એ લોકોની જ પોકળતા વાગી રહી છે. મને લાગે છે ત્યાં સુધી ગુજરાતમાં હવે સંસ્કારોના અંતિમ સંસ્કાર શરુ થઇ ગયા છે. એક હિન્દુનો એવો બચ્ચો ના જોયો કે જે નવરાત્રી માનવાવા કરતા વડોદરા શહેરમાં ચાલી રહેલા કોમી રમખાણો અટકાવવા આગળ આવે. જઈને એક મુસલમાન સાથે મૈત્રી માટે હાથ મિલાવે. દરરોજ મંદિરે જવું, વડીલોને પગે લાગવું, જુદા જુદા ઉપવાસ કરવા, એ બધા સંસ્કારી હોવાના લક્ષણો મનાય છે ત્યાં સુધી આવું જ ચાલતું રહેવાનું. સવારે દૂધ થી મહાદેવ ને નવડાવો અને રાત્રે નશામાં પોતે નાવ અને પત્ની ને મારો. આવા ‘સંસ્કારી’ પતિને પત્ની છોડે તો એનું સમાજમાં કઈ મુલ્ય જ નહિ. કોઈ માં નો બચ્ચો નથી જે એને મદદ કરવા આગળ આવે.

પોતાની પાસે ધર્મના વિદ્વાનો હોવાનું કહેતો સમુદાય, બહુ સારા સારા કામો કરતો હોવાનો ચિતાર આપતો સમુદાય પણ કોમી છમકલાઓમાં મૈત્રીપૂર્ણ સંબંધો જળવાય એવી કોશિષ કરવા આગળ આવતો નથી. એ વિદ્વાનોની વિદ્વાનતા ક્યાં અલોપ થઇ જાય છે એની કોઈને ખબર નથી.!! જો કોઈ માયા ના હોય અને ત્યાગની જ ભાવના હોય તો કેમ આગળ આવી સુલેહ નથી કરાવતા..?? કેમકે જ્યાં સુધી લોકો આમ એકબીજા સાથે લડે છે ત્યાં સુધી જ તેમની દુકાન ચાલવાની, જે દિવસે ધર્મો એક થઇ જશે તે દિવસે આ બધાનો સુરજ આથમી જવાનો. એટલે એ લોકો બે ધર્મને એક કરી દે તો પોતાના પગ પર જ કુહાડી મારી કહેવાય…!!!

મને સમજાતું નથી કે આ બધું શું ચાલી રહ્યું છે. આ બધાનો અંત ક્યારે આવશે.!!! ક્યારે માણસ પોતાની અંદર રહેલી શક્તિઓને પોતે જગાડશે. એ ક્યારે પોતાના સંસ્કારો, પોતાની જવાબદારીઓ, પોતાના હક્ક અને ફરજો પ્રત્યે સભાન બનશે.?? ક્યારે ધર્મો નો નાશ થશે અને સંસ્કારો નું સિંચન થશે ?? આબરૂના ધજાગરા કરતા યુવાનો (છોકરાઓ અને છોકરીઓ) ક્યારે દેશ માટે આગળ આવશે.?? આ દેશ પાંગળો છે કેમકે ૫૮.૫૦ % (૬૫% ના ૯૦%) લોકો દિશાહીન,  હવસખોર અને પાંગળા છે. જેટલી તૈયારી નવરાત્રીની ખરીદી કરવામાં કરતા હોય છે એટલી તૈયારી જો પોતાના કરિયર પર કરે તો આજે એની લાઈફ અને આપણો દેશ ક્યાય આગળ આવી જાય.!! પણ જ્યાં સુધી આપણા દેશમાં ધર્મગુરુઓ નું રાજ ચાલે છે ત્યાં સુધી કઈ થવાનું નથી. કેમકે આ લોકો જ દેશને કોરી ખાય રહ્યા છે, યુવાનો ને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મારી તો યુવાઓ ને એટલી જ વિનંતી છે જે આવા સંબંધો બાંધવામાં પડશો નહિ. બીજાની જીંદગી બગાડી કઈ મેળવી શકાતું નથી. અને ખાસ વિનંતી કે દુરના ગરબામાં જવા કરતા જો તમને શોખ હોય જ તો સોસાયટીના ગરબામાં પણ રમી શકાય. એના માટે મેદાનો પર જવાની જરૂર જ નથી. મા-બાપ પણ આ વાત ધ્યાનમાં રાખી પોતાના બાળકોને પોતાની જ સોસાયટીમાં ગરબા રમવાનું કહે. તો જ સાચા ભક્તો / સંસ્કારો બહાર આવશે અને અન્ય શોખ / તૃષ્ણાઓ વાળા ઘરમાં બેસી જ નવરાત્રી ઉજવશે. બાકી અત્યારે જોતા તો એવું લાગે છે કે સંસ્કારોની અંતિમ ક્રિયા શરુ થઇ ગઈ છે.

મહાભારતમાં તો એક જ ભીષ્મ પિતામહ હતો જે દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે પણ કઈ બોલી શક્યો નહોતો. પરંતુ આજે તો દરેક ઘરમાં ભીષ્મપિતામહ વસવા માંડ્યા છે જે આંખ આડા કાન કરી રહ્યા છે. એને જાગવાની જરુર છે. હું તો સહન નથી કરી શકતો એટલે આવા તહેવારો આવી રીતે ઉજવતો પણ નથી અને લોકોને પણ સાચો રસ્તો બતાવા આવું લખતો રહું છું. જે હિન્દુત્વવાદી એ મેં લખેલા લેખના શબ્દો પર જઈ મારા ઘર પર પથ્થરમારો કરવો હોય તો તેને છૂટ છે. હું એનો સ્વીકાર કરીશ. કેમકે એ લોકો જ તો ધર્મને સાચવીને બેઠા છે અને આવા સમયે અમારા અર ફેકે પણ છે. બાકી અમે તો ગાળો જ આપી શકીએ કોઈ પણ ધર્મને…!!!!!!!!!

હિતાર્થ ઢેબર

એક સવાલ…


ખરેખર સવાલ તને પામવાનો હતો ક્યારેક,
સવાલ આજે બસ બે ઘડી વાત કરવાનો રહી ગયો છે,
દિલ માં તને વસાવવા મથામણ કરતો ક્યારેક,
સવાલ આજે બસ તુજ ને છબી માં જ જોવાનો રહી ગયો છે..

સૌથી સુંદર ભેંટથી તને ખુશ થતી વિચારતો ક્યારેક,
આજે તને આપવા નો ખાલી વિચાર જ રહી ગયો છે.
કંઇક પણ હું લખું, એ લખવાનું તારા માટે જ હોય ઘણી વાર,
સવાલ આજે કોઈ બીજા ના જ ગીતો સાંભળવા માં રહી ગયો છે.

સાચે હજુ પણ હું કહું કે મને તું જ જોઈએ તો યે શું,
આ પારકી દુનિયા ને લીધે ‘Aashi’ બીજા માટે જ રહી ગયો છે.
ખરેખર તું ખૂબ ખાસ હતી હં એ વખતે, અને આજે પણ,
પણ મારે તો તારા છબી નો જ સથવારો રહી ગયો છે.

આભાર માનતા દિલ થાકતું નથી ખુદા નો ક્યારેક,
ભલે નાનકડો હતો, આપણો એ ‘સાથ’ ક્યાંક પાછળ રહી ગયો છે.
એ ખુશીઓ ની કિમત કોઈ ને ક્યાંથી સમજાવી શકાય,
તારા વગર એ હરખ પણ પોતાના માં જ રહી ગયો છે.

ઉત્તર માં તને કોઈ પણ સવાલ માં માંગુ તોયે હવે શું? 
જયારે સવાલ જ તને પામવાનો હતો ત્યાં ને ત્યાં જ રહી ગયો છે.

 – ‘Aashi’ (આશિષ સોની)

ક્યા ગયો ભગવાન ???


દિવસો હણાઇ ગયા છે એના ગયા પછી, રાત લાંબી થાય છે એના ગયા પછી,

શબ્દોને શું કરું ફના થઇ જવાનો દેહ, આંખો દ્રવી પડે છે હવે એના ગયા પછી,

ઝંખના હતી વરસોથી ફળી નહીં કદી, ફળવાનાં સ્વપ્ન તૂટી ગયા એના ગયા પછી,

કોરાણે મૂકું આંસુને એ શક્ય છે નહીં, આંસુ ખરે છે આંખથી એના ગયા પછી,

–     વિના બામણિયા

વર્ષ ૨૦૧૧નું એક દ્રશ્ય,

એક પરિવાર નવા ઘરમાં પગ મુક્યા ની ખુશી મનાવતો હતો. કેક કાપવામાં આવી. ફટાકડાઓ ફોડ્યા. એક નાનો પરિવાર જેમાં એક પતિ, એક પત્ની, એક પુત્ર અને એક પુત્રીનો બનેલો છે. આ પરિવાર પાસે હસવાના ઘણા જ બહાનાઓ હતા. સોરી, બહાના નહિ, કારણો હતા. દરેક તહેવારો ધામધૂમથી મનાવતા. એકબીજા માટેનો પ્રેમ વધી રહ્યો હતો અને પુરબહારમાં ખીલેલો હતો.

વર્ષ ૨૦૧૩નું બીજું એક દ્રશ્ય,

એક પરિવાર કે જે હવે પરિવાર નથી રહ્યો. આ પરિવારના દિવસની શરૂઆત આંસુઓથી થાય છે અને પછી અંત આવી જાય છે. ખબર નથી કે આવતી કાલનો દિવસ કેવો જશે.!! ઘરમાં પતિ હવે છે નહિ એટલે કમાવાવાળું કોઈ સદસ્ય રહ્યું નથી. બે બાળકને સ્કુલ મોકલવા તો શું જમાડવાના પણ રૂપિયા નથી. માતાની આંખોમાંથી આંસુ ટપકતા બંધ નથી થતા અને બાળકો ની આંખો લાચાર નિરાધારપણું વરસાવી રહી છે.

કે જેમ શરદ ઠાકરએ “ડોકટરની ડાયરી” પોતાના પ્રેક્ટીસના અંગત અનુભવો પરથી લખી. એ રસ્તે હવે મને પણ નવા નવા અનુભવો થઈ રહ્યા છે. શરદ ઠાકર જેવું લખવાનું તો મારું ગજું નથી પણ આ એક અનુભવ અવશ્ય લખવો પડે એવો રહ્યો. વાત જાણે એમ છે ઉપર જણાવેલા બંને દ્રશ્યો એક જ પરિવારના છે. વાત એમ બની કે આ પરિવારે એવા ઘરમાં રહેતો હતો જે ગીરવે મુકેલું હતું. ભાઈએ પોતાની બહેન ના લગ્ન માટે ઘર ગીરવે મૂકી બેન્કમાંથી લોન લીધેલી. ઘર સંપૂર્ણ બન્યું ના હતું પણ રહેવા લાયક હતું એટલે પરિવાર ત્યાં રહેતો હતો પણ હજુ ઘણું કામ બાકી હતું. પરિવાર ખુશીથી રહી રહ્યો હતો.

એવામાં એક દિવસ અચાનક ઘર બનાવનાર બિલ્ડરે દગો કરી બધા રૂપિયા લઇ લીધા અને નાસી ગયો. આ આઘાત ઘરના મોભથી ના જીરવાયો અને એકમાત્ર કમાવાનાર હૃદય હુમલાનો ભોગ બન્યો. બે મહિનામાં કેટલું બદલાય ગયુ. જે બે વર્ષમાં લોનનો એક હપ્તો એક દિવસ પણ મોડો નહોતો ભરાયો એ લોનમાં હવે બે હપ્તા બાકી બોલે છે. આ લખું છું ત્યાં કદાચ ત્રીજો હપ્તો પણ બાકી રહી ગયો હશે. ગઈકાલનો સુર્યાસ્ત જાણે કાયમ માટે અંધકારની ભેટ આપી ગયો. અને આ ભેટ કોને આપી ??? ક્યાં ગયો એ ભગવાન કે જેને સારા પરિણામોનો શ્રેય મળતો રહે છે ? કેમ ચુપ થઈને બેઠો છે ? પત્ની આઠમું ધોરણ પાસ છે એટલે નોકરી આપવા તૈયાર નથી. લોનનો એક મહિનાનો હપ્તો ૫૦૦૦/- છે જેની સામે પરિવારની આવક ૨૦૦૦/- છે. કેટલી ખરાબ પરિસ્થિતિ.!!! હાલમાં કોઈને કોઈની મદદ લઈને ઘર ચાલવામાં આવે છે પણ આવી રીતે ચાલવાની પત્નીની ઈચ્છા નથી.  કેટલી દિશાહીન ઝીંદગી…!!!શું વાંક હતો એ ૧૩ અને ૧૬ વર્ષના બે બાળકોનો કે એનું ભણતર છીનવાય જવાના આરે છે. પત્ની પર ૩,૧૧,૦૦૦/- નું દેવું છે. અને જો ભરપાય ના કરવામાં આવ્યું તો ઘર પણ ગુમાવાનો સમય આવે એવી શક્યતાઓ છે. આવકમાં હાલમાં પેન્શન ૨,૦૦૦/- પ્રતિ માસ સિવાય કાંઈ જ નથી……..

ક્યાં ગયો એ માયાળુ ? ક્યાં ગયો રહેમાન ? ક્યાં ગયો એ વાહેગુરુ ?? બધાની આંખો બંધ હતી જયારે પરિવાર સાથે આવી રમત રમાય ?? આ પરિવારના બે મહિના કેમ ગયા હશે એ વિચારીને જ મારું હૃદય તો દ્રવી ઉઠે છે. માન્યું કે માણસાઈ વેચાય રહી હતી પણ એ મુજબ તો ભગવાનની ખુદાઈ પણ આંખો બંધ કરીને આ બધું માણી જ રહી હતી ને..!!!! સવાલ સહાય નો નથી એ તો કરવાવાળા છે જ અને રસ્તો મળી જશે; એવી મારી આશા છે. પણ મારી આંગળી ઉઠે છે એના પર જે લોકોના જીવન પર આમ પ્રશ્નાર્થ મૂકી દે છે. સવાલ ઉઠે છે એના અસ્તિત્વ પર કે શું ખરેખર ઈશ્વર છે ????? મને તો ક્યારેય લાગ્યું નથી કે ઈશ્વર છે. કેમ કે જો એ હોત તો એણે આવું થવા જ ના દીધું હોત.!!!!! લખવાનું કારણ લોકોને વિચારતા કરવાનો છે. લોકોને અવગત કરવાનો છે કે સમય ગમે ત્યારે ગમે તે સવાલ પૂછી લે તો આપને ભલે જવાબ ના આપી શકીએ પણ જવાબ આપવા તૈયાર તો રહેવું જ જોઈએ.

First Love..!!


થોડા દિવસો પહેલા મને કોઈએ પૂછ્યું કે તમને “First Love” (પહેલો પ્રેમ) ક્યારે અને કોની સાથે થયો હતો ?? Imported શબ્દો સાથે પુછાયેલો આ સવાલ જ સાલો એવો હતો કે મનને ઠેસ પહોચાડે. પણ કરવાનું શું આજકાલ જમાનો જ બહુ બધી વાર પ્રેમ કરવાનો છે. એ પણ સાલું Imported Culture જ તો છે. આજકાલ સંબંધો પણ Expiry Date સાથે આવવા લાગ્યા છે. છત્તા પણ જવાબ આપવો તો પડે જ. ચાલો વાંચનાર ને પણ હું એક સવાલ પૂછું કે એમને પહેલો વહેલો પ્રેમ ક્યારે થયો હતો અને કોની સાથે થયો હતો ?? બે મિનીટ આંખ બંધ કરો. મગજમાં સેવ કરેલું લીસ્ટ યાદ કરો. એક બે નામ તરત યાદ આવશે, બાકીના નામ ધીમે ધીમે યાદ આવશે. અને પછી પોહચો પહેલા પ્રેમ પાસે. તમને પણ તમારી જિંદગી rewind કરવાનો મોકો મળશે.

કોઈને સ્કૂલમાં ચોકલેટ કોઈએ આપી હશે અને ચોકલેટના માધ્યમથી આંખો દ્વારા એ પ્રેમ પાંગર્યો હશે તો પછી કોઈને કોલેજમાં કેમ્પસમાં જોયેલી કોઈ છોકરી સાથે થયો હશે કે જેના વાળની લટમાં લટકાય જવાનું મન થયું હોય. જેની આંખોમાં કાજળ બની ભરાય જવાનું મન થાય કે પછી એના ગાલના ખાડામાં પુરાય જવાનું મન થાય કે પછી એ છોકરો જેની ૨૫૦ CC બાઈક પર બેસી લોંગ ડ્રાઈવ પર જવાનું મન થયું હોય.

બુદ્ધિ ને પણ વહેમ થયો છે, હું જાણું છું કેમ  થયો છે,કોઈને કહેતા નહિ પણ, પહેલી નજરે પ્રેમ થયો છે..!!

ઘણા ને એવું પણ થયું હશે કે પહેલી નજરે જ આંખોમાં ઘર કરનારી વ્યક્તિ બીજી વાર જોવા પણ નહિ મળી હોય. કોઈએ કહ્યું છે ને કે

“થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહુ લડી આંખો, પછી બીજા મિલન માટે હંમેશાનું રડી આંખો…”

આ બાબતમાં હું ખુબ જ લક્કી છું. મને મળેલો મારો પહેલો પ્રેમ આજે પણ મારી સાથે છે અને અતુટ છે. મારો પહેલો પ્રેમ કહો કે પહેલી નજરનો પ્રેમ કહો, બંને એક જ છે. મને એ ત્યારે થયેલો જયારે મેં મારી જીંદગીમાં સૌથી પહેલી વખત મારી આંખો ખોલી અને સામે બે હસતા ખુશખુશાલ ચહેરાઓ મને ટગર ટગર નિહાળી રહ્યા હતા. આ છે મારો Love at First SIGHT”. મારો પ્રેમ એટલે મારા ઈશ્વર એટલે કે મારા મમ્મી પપ્પા. કદાચ બધાનો એ જ હોવો જોઈએ.

યાદ કરો એ દિવસો જયારે તમે એક વર્ષના હતા અને એ લોકો એ તમને સુવાડવા આખી રાત જાગ્યા હતા. જયારે તમે ૧૦ વર્ષ ના હતા ત્યારે એ લોકો એ એના સપના અધૂરા મૂકી અને ફરવા જવાનું છોડી તમને ભણાવા સ્કુલની ફી ભરી હશે. તમને ભણાવા એમને એ લોકોનું બધું સેવિંગ્સ વાપરી નાખ્યું હશે. તમને નોકરી આપવા એ લોકો પોતાનું બધું ગુમાવા તૈયાર હતા. તમને અમિર રાખવા એમને કપડા નહિ ખરીદ્યા હોય એવું બન્યું જ હશે. તમારી કાળજી લેવા એ લોકો એ પોતાની તબિયત બગાડી હશે. એ લોકો એ તમારી જિંદગી સુધારવા પોતાના અંગત સપનાઓ અધૂરા રાખી દીધા હશે. એ સાચા પ્રેમ ને લાયક છે. એમને પ્રેમ કરો. એમની સાથે રહો. કાયમ. કેમકે તમે એનો ભૂતકાળ હતા વર્તમાન છો અને ભવિષ્ય પણ તમે જ છો. એ એક જ એવા ભગવાન છે જેને જોઈ શકાય છે અને આપણા સપનાઓ પુરા કરવા એ બનતું બધું કરે છે લગભગ દર વખતે એ પણ માગ્યા વગર.

તો આજે તમે પણ તમારા મમ્મી પપ્પાને “i love you” કહેવાનું ના ભૂલશો. જેને ઓળખતા પણ નહોતા એને આપણે I Love You બેજીજક કહી દઈએ છીએ તો આમને કેમ નહિ..!!!

(વિચાર અને શબ્દો: એક એ-મેઈલ પરથી)                      (લાગણી અને ભાવના: મારી પોતાની)

૫ વર્ષ પછી ની રાહત…


મોટા મોટા લેખકો કહે છે કે શબ્દો નહિ લાગણીઓ સમજો. હું પણ એવું જ વિચારું છું પણ ઝીંદગીમાં અનેક એવા કિસ્સાઓ બનતા હોય છે જેમાં શબ્દોનું એક તીર આપના દિલના એ ખૂણે વાગે છે કે જે કાયમ અસર છોડી જાય છે. એ મારતું પણ નથી અને છોડતું પણ નથી.

આજનો દિવસ મારા માટે યાદગાર રહ્યો. કારણ સમજાવા માટે મારે મારી ઝીંદગીના ૫ વર્ષ પહેલાનો એક બનાવ કહેવો રહ્યો. CA ચાલુ કર્યું હતું અને Entrance પરીક્ષા પાસ કરી હતી. અમારે એવો નિયમ હતો કે Entrance પરીક્ષા પાસ કરીએ એટલે આર્ટીકલશીપ ચાલુ કરવાની. પછી જ આગળની પરીક્ષા આપી શકીએ. માર્ચ – એપ્રીલનો ધોમ ધખતા ઉનાળામાં સાઈકલ લઈને સવારનો આર્ટીકલશીપ શોધવા નીકળેલો. બપોરના એક વાગ્યામાં પરસેવે રેબઝેબ થઇ એક ઓફિસમાં ગયો. મારો પૂરો ઇન્ટરવ્યુ પત્યો પછી એ સાહેબ કહે અમને એક કાઠીયાવાડી છોકરાનો બહુ ખરાબ અનુભવ થયેલો. (કાઠીયાવાડ એ સૌરાષ્ટ્રનો એક પ્રદેશ છે જે પહેલાના જમાનામાં STATE OF KATHIYAWAD થી ઓળખાતો હતો.). તું પણ કાઠીયાવાડી છે તો તને નહિ રાખું. હવે આ માણસને શું અનુભવ થયો હતો એ તો ખ્યાલ નથી મને પણ એમ થયું કે એને એ જ ક્ષણે ત્યાંથી ઉપાડી લઇ જાઉં મારા ગામ અને બતાવું અમારી મહેમાનગતિ. પણ એ કઈ કર્યા કે બોલ્યા વગર, મનુભાઈ ત્રિવેદી “ગાફિલ”ના નીચે જણાવેલા શબ્દો યાદ કરી ચાલતી પકડી.

ઘડો જે ઘાટ ઘડવો હોય તે, ગમતા બીબાં ઢાળો,
અમારી આગ છે તે આગ છે, કિંતુ પ્રવાહી છે.

પવન કેરા સપાટે આઘી પાછી થઈ હશે કિંતુ,
દિશા ચૂકી નથી નૈયા, સિતારાની ગવાહી છે.

ન એને સાથની પરવા ન એને રાહથી નિસ્બત
ન એને મનથીયે મસલત, કોઈ એવોય રાહી છે.

વાત કોઈ પ્રદેશને ખોટો ગણવાની નથી. વાત વિચારોની છે. વાત માણસને પરખવા માટે થયેલી કસોટીની છે. આ અનુભવે મારા મગજમાં એટલા સવાલો ઉભા કરેલા. શું માણસની પરખ એના પ્રદેશને લીધે થતી હશે ? શું માણસના પોતાના વ્યક્તિત્વનું કોઈ મહત્વ જ નથી ? શું માણસને પારખવાનો પાયો એ એનો ભૂતકાળ કે પોતાને થયેલો એક અનુભવ જ છે ? ખરાબ અનુભવને જ આટલું કેમ મહત્વ અપાય છે ? આ મારો પહેલો અનુભવ નથી. આવા બીજા લોકોને પણ ૨-૩ કિસ્સા થયેલા છે કે જ્યાં વ્યક્તિને નહિ એના ચારિત્ર્યને નહિ પણ કોઈ જુના ખરાબ અનુભવને મહત્વ અપાયું હોય. કહેવાય છે કે ભૂતકાળના ખરાબ અનુભવો પરથી શીખવું જોઈએ. પણ બંધ બેસતી પાઘડી પહેરી  લેવી કેટલે અંશે યોગ્ય છે ?

બસ આ અનુભવે બપોરના પરસેવાથી નીતરી રહેલું મારું કપાળ લોતા લોતા મેં એક નિર્ણય કર્યો કે આ માણસને જવાબ આપીશ. હવે આવું આજના દિવસ પર. પછી મને બીજે આર્ટીકલશીપ મળી ગઈ.  સાડા ત્રણ વર્ષ ક્યાં અને કેમ પત્યાં એ તો CAની આર્ટીકલશીપ કરનાર સૌ કોઈ જાણતું જ હોય છે. એ પછી જ્યાં આર્ટીકલશીપ કરી હતી ત્યાં જ દોઢ બે વર્ષ નોકરી પણ કરી. અને એ CA સાથે હજુ પણ જોડાયેલો છું અને એથી વાત કોઈનો ઇન્ટરવ્યુ લેવાની આવી. હું અને મારા સાહેબ ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા અને ખબર પડી કે જેનો ઇન્ટરવ્યુ લેવાય રહ્યો છે એ કાઠીયાવાડી જ હતો. તરત જ મારા સર બોલ્યા કે મને કાઠીયાવાડીઓ નો બહુ સારો અનુભવ છે.  ત્યારે મારી આંખો ગર્વથી પહોળી થઇ ગઈ. જાણે બગડેલી બાજી મેં સુધારી હોય તેવો એક કાઠીયાવાડી તારીખે અનુભવ થયો. મારી છાતી મારા શર્ટનું પહેલું બટન તૂટી જાય એટલી બધી પહોળી થઇ ગઈ. ઈચ્છા થઇ કે પેલા જેને મને Reject કર્યો હતો એને અહિયાં ઢસડી લાવું અને સંભળાવું. પણ પછી યાદ આવ્યું કે તો મારા અને એના માં ફરક નહિ રહે. મારે એની વાત ખોટી પાડવા કરતા, એને સાચી વાત સમજાવવી હતી. હું તો એટલું કહી આવતો રહેલો કે હું આ છાપ સુધારવાની કોશિશ કરીશ. પણ હકીકતમાં મારે એવું કહેવું જોઈતું હતું કે હું તમારો દ્રષ્ટિકોણ બદલવાની કોશિશ કરીશ. જે હવે જણાવી દઈશ. તો જરૂર એ બીજી વખત કોઈને પીઠ બતાવતા પહેલા વિચારશે ખરા.

હવે કોઈ પ્રદેશની વાત સાઈડમાં રાખીએ તો પણ મારા મત પ્રમાણે વ્યક્તિને પારખવા અનુભવ નો સાથ લઇ શકાય પણ એને જ નિર્ણય ના બનાવી શકાય. ભૂતકાળ કરતા ભવિષ્ય, દેખાવ કરતા ચારિત્ર્યને વધારે મહત્વ અપાવું જોઈએ. પ્રદેશ જોઈને જ વ્યક્તિને માપી શકાતી હોત તો તો પૃથ્વી બે ભાગોમાં જ વહેચાયેલી હોત.. સાથે સાથે

આશા રાખું કે વાંચનારા પણ કોઈ પણ સ્થળે, કોઈ પણ સ્થિતિમાં વ્યક્તિને પરખવા એનું ભવિષ્ય, ચારિત્ર્ય એની શક્તિઓ ની કસોટીઓ કરવી કરે. નહી કે એના ભૂતકાળથી  કે એના બેંક બેલેન્સ કે પછી એના background પરથી. અને જો મારા જેવો અનુભવ થાય તો એ વાત ખોટી પાડે અને એને બદલે. આશા રાખું હકારાત્મક અભિગમ જળવાય રહે અને હું હવામાં ના ઉડું.. તમે લોકો પણ સાથ આપજો એવું લાગે કે હવામાં ઉડવા લાગ્યો છું તો જેમ એક ભારતીય નેતા આગળ વધી રહેલા બીજા નેતા નો ટાટીયો ખેચે એ રીતે…!!!

સંબંધોનું ગણિત…


સંબંધોનું ગણિત મને હવે સમજાય ગયું છે….
પક્ષ, સાધ્ય કે સાબિતી કોઈ નથી જોતું,
અહિયા તો “હેતુ” માત્રથી ચલાવી લેવાય છે….
અહી તો તમે રકમને રકમથી તોડી શક્યા તો સચવાય ગયા,
નહિતો ભાગાકારની વધેલી શેષની જેમ ખૂણે બેસી રહેવાનું હોય છે….
જો કઈ લેવાનું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી મંડાય છે,
અને જો ચૂકવી આપવાની વાત હોય તો સરાસરી કઢાય છે….
સીધા લોકોની હાલત અહિ પાટીની પેન જેવી હોય છે,
જો ઠોઠ છોકરાંના હાથમાં આવ્યા તો ચવાય જવાનું હોય છે,
અને જો હોશિયાર બાળકના હાથમાં આવ્યા તો,
એનો કક્કો ખરો કરવા ભૂકો થઇ ઘસાય જવાનું હોય છે…..

હિતાર્થ ઢેબર

ભૂલ સુધારવાની કળા……!!


ભૂલ એટલે જે વાત આપણે પહેલાં નહોતા સમજતા એ હવે સમજવા માટે ફરી મળેલો મોકો..! અચાનક આ વિષય પર લખવાનું મુખ્ય કારણ એ કે આજે સાંજે થાક્યો પાકયો ઓફિસથી કામ પતાવી આવ્યો અને જેવો બીજા મજલે આવેલા મારા ઘરે પહોંચવા પહેલું પગથિયું ચઢ્યો ત્યાં નાના બાળકોનો દેકારો સંભળાયો. બધા SORRY SORRY ની બુમો પાડી મારું સ્વાગત કરવા ઉભા રહી ગયા હતા. હું ઉપર પહોચ્યો અને જાણે બગીચામાં કુલ્ફીવાળાને જોઈ બાળકો એની ઉપર તૂટી પડે એમ મારી સામે દોડી આવ્યા. વાત જાનણે એમ હતી કે બાજુમાં લગ્ન હોય બધા ત્યાં ભેગા થયા હતા અને રમતા રમતા મારી બારી નો કાચ તૂટી ગયો હતો. જેવું મે ઘરનું બારણું ખોલ્યું કે તરત એક બાળક SORRY નું રટણ ચાલુ રાખ્યું, બીજા બે બાળકો તૂટીને વિખરાયેલા કાચને વાળી સફાઇકામમાં લાગી ગયા. તો વળી કોઈ અંદર આવેલા દડાને શોધવામાં પડી ગયા અને છોકરીઓ એમની આદત મુજબ કોનાથી તુટ્યો ? કેમ તુટ્યો ? કોનો વાંક હતો ? છોકરીઓ કઈ ગેઈમ રમી રહી હતી ? અને એ બધી વાતો કહેવા માંડી.

ઓફીસમાં Client ના દેકારા કરતા આ દેકારામાં અજબની મીઠાશ હતી. દેકારો મને એક સંગીત જેવો સુરીલો લાગી રહ્યો હતો કેમકે એમાં ભલે સુર નહોતો પણ લાગણી, સત્ય, ભોળપણ, ભૂલ સ્વીકારવાની આવડત, ભૂલ સ્વીકારી ને સુધારી શકવાની સક્ષમતા અને આવા અનેક ગુણો હતા જે આપણા જેવા અનેક લોકોમાં નથી હોતા. ૧૦ જ મિનીટમાં મારું ઘર હતું એવું કરી દીધું. (એટલે કે સવારે સફાઈ કરીને ગોઠવીને ગયો હતો એ બધું અસ્તવ્યસ્ત કરી દીધું કાચની નાની કણીઓ શોધી કચરાપેટીમાં નાખવાની લ્હાયમાં…!!!!) પણ સાચે મારો બધો થાક ઉતારી દીધો. ઉપરથી મને ઘણું શીખવાડી પણ દીધું. બધા મારી આંખો લાલ થવાની રાહ જોઈ રહ્યા હતા ત્યાં મે બધાને એક એક ડેરીમીલ્કની જાહેરાત કરી એટલે ડરની શાંતિ ને બદલે દેકારો પૂરી તાકાત સાથે ડબલ થઇ ગયો અને એક ઉમંગની લહેર છવાઈ ગઈ. કોઈ એક પાસે મે ડેરીમીલ્ક મંગાવી. પછી બાળપણની એ જ આદત કોઈએ યાદ કરાવી કે બહેન નથી એમ કહી એના નામે બીજી ચોકલેટ લઇ જવાની. કદાચ ૧૦૦૦ વર્ષથી પણ જુનું બહાનું યાદ કરાવી દીધું.

પેલું અંગ્રેજીમાં કહેવાય છે ને કે “Erasers are for those who are willing to correct their mistake…” એ આ બાળકો એ સાચું કરી બતાવ્યું. સાથે સાથે ડેરીમીલ્ક ખાતા ખાતા મે બધાને સમજાવ્યું કે હવેથી આવા બોલથી અહિયાં નહિ રમવાનું અને ગલી ક્રિકેટના ટ્રેડમાર્ક સમી પેલી લીલી દડીઓ થી જ ફ્લેટમાં રમવાનું અને એ દડીથી જ રમવાનો ઠરાવ સર્વસંમતીથી પસાર થઇ ગયો..!! અને સાથે સાથે બધા ખુશખુશાલ પણ થઇ ગયા.

થાય સરખામણી તો ઉતરતાં છીએ….!!!


બે દિવસ પહેલા ભારતનો ક્રિકેટ મેચમાં ત્રિકોણીય શ્રેણીની ફાઈનલ મેચમાં વિજય થયો. ફક્ત પોતાની કપ્તાની હેઠળ આખી શ્રેણીમાં માત્ર એક મેચ જીતેલાં મહેન્દ્રસિહ ધોનીની ભારોભાર પ્રસંશા થઇ. હા એ વાત માનવી રહી કે અંતિમ ઓવરમાં એણે ફટકારેલા રનથી જ ભારત જીતી શક્યું. પણ ભારતીય ટીમના એક બલ્લેબાજ તરીકે એના પાસેથી એ expect કરીએ જ કે એ એક ઓવરમાં ૧૫ રન કરે અને એ પણ એવા સમયમાં જયારે IPLમાં એ વ્યક્તિ એ આનાથી વધુ રન પણ કરેલા હોય. વાત વખાણ સુધી આવીને અટકે તો એનો કોઈ વાંધો નથી પણ પછી જયારે એની સરખામણી સફળ કપ્તાન તરીકેની હરીફાઈમાં કરવામાં આવે તો એ વાત તદ્દન ખોટી છે. મીડિયાને તો એક મોકો મળી ગયો TRP વધારવાનો એટલે એ લોકો એ સૌરવ ગાંગુલી સાથે ધોની ને સરખાવ્યો. અમુક લોકો એ તો ધોની ને બેન્ગાલ ટાઈગર થી પણ ચઢિયાતો કહ્યો. મને હસવું આવી ગયું. માન્યું કે વિશ્વ કપ (એક દિવસીય), વિશ્વ કપ (૨૦-૨૦) અને મીની world કપ જીતાડી શકનારો ધોની એક માત્ર કપ્તાન છે. પણ એ વાત એને ગાંગુલી કરતા મહાન બનાવી શકવા કાફી નથી. આ બંનેની સરખામણી જ ના થઇ શકે.

સૌરવ ગાંગુલીને સુકાન સોપ્યું ત્યારે એની પાસે પુરા ૧૧ સારા ખીલાડીઓ જ નહોતાં. ભારીતીય ટીમ મોહમ્મદ અઝરુદ્દીન, અજય જાડેજા, નયન મોંગિયા અને નીખીલ ચોપરાના Match Fixing ના આરોપમાં હતી. કોઈ કોચ બનવા તૈયાર નહોતું. એ સમયે માત્ર સચિન અને અનીલ કુંબલે સિવાય કોઈ દિગ્ગજ નહોતા રહ્યા. એ લેવલ થી ઉગારી ગાંગુલીએ એક ‘ટીમ’ બનાવી અને એવા સ્થાન પર ટીમ ને મૂકી કે તે લેવલથી નીચું પ્રદર્શન ક્યારેય થતું નહોતું. આજે એક મેચમાં પૂરી ટીમ ૧૫૦માં ઓલઆઉટ થઇ જાય છે એવું એ વખતે ભાગ્યે જ થતું.એ ભલે નંબર વન ના મેળવી શક્યો ટીમ ઇન્ડિયા માટે પણ બીજા નંબર પર પૂરી શાન થી ટકી રહ્યો હતો. એ વખતે Adam Gilchrist, Mark Waugh, Steav Waugh, Glane Mackgrath, Shane Warne, Brat Lee, Haiden જવા ખિલાડીઓ થી ભરેલી Australia ની ટીમ પણ ભારત થી ડરતી અને આજે એવી હાલત છે કે બાંગ્લાદેશ પણ જીતી જાય તો કહેવાય નહિ..!!!! હવે તમે જ કહો કાગળ પરનો વાઘ સાચો કે મેદાન પરનો વાઘ કે જેની ટીમ થી લોકો ડરતા. એ સમયે દરેક ટીમ પાસે ૩ થી ૪ ઉત્કૃષ્ઠ કક્ષાનાં ખિલાડીઓ હતા. આજે કોઈ ટીમ પાસે વિશ્વાસ પાત્ર એક પણ ખિલાડી ભાગ્યે જ જોવા મળે. સૌરવ ગાંગુલી જે જે ખિલાડી ઓ વિરુદ્ધ જીતી શક્યો છે એના નામો ની યાદી મુકું તો,

Adam Gilchrist, Haiden, Steav Waugh, Mark Waugh, Shane Warne, Glane McGrath, Brat Lee, Ricky Ponting, Wasim Akram, Shoib Akhtar, Inzmam-ul-haq, Shahid Afridi, Muthaiya Murlidharan, Sanath Jaisurya, Chaminda Vaas, Atapattu, Roshan Mahanama, Shane Bond, Daniel Vettori, Maccullum, Grant Flower, Andy Flower, Brian Lara, Chandrapaul, Ramnaresh Sarwan, Hansi Cronie, Kallis and so on……

હજુ તો ઘણાં નાં નામ પણ હું ભૂલી ગયો. એટલે આ રીતે ખોટી સરખમણી થાય તો મારાં જેવા કેટલાય ગાંગુલી પ્રેમીઓની લાગણી દુભાય. આખરે દેશદાઝ અને જનુન કોનામાં ના હોય..!!!

પુરુષાર્થ અને પ્રારબ્ધના બે સૌથી સારા ઉદાહરણો આ બે છે. એક પાસે પ્રારબ્ધ સારું હતું કે વિરોધી ટીમમાં કોઈ બેજોડ કહી શકીએ એવા ખિલાડી જ નથી હોતા. અને એકનો પુરુષાર્થ કહી શકીએ કે જેના સમયગાળામાં ઉપર મુકેલા લીસ્ટ ઉપરાંત પણ અનેક મહાન ખિલાડી સામે The Wall (Rahul Dravid), Mr. Dependable (VVS Laxman), Little Master(Virendra Sehwag), Yuvraj Singh, Harbhajan Singh અને આવા અનેક ઉભરી આવ્યા.

હજુ આ લેખ આગળ લખીશ યોગ્ય સમયે અને જો એ સમયે મને સમય હશે તો………………………………….