ક્યા ગયો ભગવાન ???


દિવસો હણાઇ ગયા છે એના ગયા પછી, રાત લાંબી થાય છે એના ગયા પછી,

શબ્દોને શું કરું ફના થઇ જવાનો દેહ, આંખો દ્રવી પડે છે હવે એના ગયા પછી,

ઝંખના હતી વરસોથી ફળી નહીં કદી, ફળવાનાં સ્વપ્ન તૂટી ગયા એના ગયા પછી,

કોરાણે મૂકું આંસુને એ શક્ય છે નહીં, આંસુ ખરે છે આંખથી એના ગયા પછી,

–     વિના બામણિયા

વર્ષ ૨૦૧૧નું એક દ્રશ્ય,

એક પરિવાર નવા ઘરમાં પગ મુક્યા ની ખુશી મનાવતો હતો. કેક કાપવામાં આવી. ફટાકડાઓ ફોડ્યા. એક નાનો પરિવાર જેમાં એક પતિ, એક પત્ની, એક પુત્ર અને એક પુત્રીનો બનેલો છે. આ પરિવાર પાસે હસવાના ઘણા જ બહાનાઓ હતા. સોરી, બહાના નહિ, કારણો હતા. દરેક તહેવારો ધામધૂમથી મનાવતા. એકબીજા માટેનો પ્રેમ વધી રહ્યો હતો અને પુરબહારમાં ખીલેલો હતો.

વર્ષ ૨૦૧૩નું બીજું એક દ્રશ્ય,

એક પરિવાર કે જે હવે પરિવાર નથી રહ્યો. આ પરિવારના દિવસની શરૂઆત આંસુઓથી થાય છે અને પછી અંત આવી જાય છે. ખબર નથી કે આવતી કાલનો દિવસ કેવો જશે.!! ઘરમાં પતિ હવે છે નહિ એટલે કમાવાવાળું કોઈ સદસ્ય રહ્યું નથી. બે બાળકને સ્કુલ મોકલવા તો શું જમાડવાના પણ રૂપિયા નથી. માતાની આંખોમાંથી આંસુ ટપકતા બંધ નથી થતા અને બાળકો ની આંખો લાચાર નિરાધારપણું વરસાવી રહી છે.

કે જેમ શરદ ઠાકરએ “ડોકટરની ડાયરી” પોતાના પ્રેક્ટીસના અંગત અનુભવો પરથી લખી. એ રસ્તે હવે મને પણ નવા નવા અનુભવો થઈ રહ્યા છે. શરદ ઠાકર જેવું લખવાનું તો મારું ગજું નથી પણ આ એક અનુભવ અવશ્ય લખવો પડે એવો રહ્યો. વાત જાણે એમ છે ઉપર જણાવેલા બંને દ્રશ્યો એક જ પરિવારના છે. વાત એમ બની કે આ પરિવારે એવા ઘરમાં રહેતો હતો જે ગીરવે મુકેલું હતું. ભાઈએ પોતાની બહેન ના લગ્ન માટે ઘર ગીરવે મૂકી બેન્કમાંથી લોન લીધેલી. ઘર સંપૂર્ણ બન્યું ના હતું પણ રહેવા લાયક હતું એટલે પરિવાર ત્યાં રહેતો હતો પણ હજુ ઘણું કામ બાકી હતું. પરિવાર ખુશીથી રહી રહ્યો હતો.

એવામાં એક દિવસ અચાનક ઘર બનાવનાર બિલ્ડરે દગો કરી બધા રૂપિયા લઇ લીધા અને નાસી ગયો. આ આઘાત ઘરના મોભથી ના જીરવાયો અને એકમાત્ર કમાવાનાર હૃદય હુમલાનો ભોગ બન્યો. બે મહિનામાં કેટલું બદલાય ગયુ. જે બે વર્ષમાં લોનનો એક હપ્તો એક દિવસ પણ મોડો નહોતો ભરાયો એ લોનમાં હવે બે હપ્તા બાકી બોલે છે. આ લખું છું ત્યાં કદાચ ત્રીજો હપ્તો પણ બાકી રહી ગયો હશે. ગઈકાલનો સુર્યાસ્ત જાણે કાયમ માટે અંધકારની ભેટ આપી ગયો. અને આ ભેટ કોને આપી ??? ક્યાં ગયો એ ભગવાન કે જેને સારા પરિણામોનો શ્રેય મળતો રહે છે ? કેમ ચુપ થઈને બેઠો છે ? પત્ની આઠમું ધોરણ પાસ છે એટલે નોકરી આપવા તૈયાર નથી. લોનનો એક મહિનાનો હપ્તો ૫૦૦૦/- છે જેની સામે પરિવારની આવક ૨૦૦૦/- છે. કેટલી ખરાબ પરિસ્થિતિ.!!! હાલમાં કોઈને કોઈની મદદ લઈને ઘર ચાલવામાં આવે છે પણ આવી રીતે ચાલવાની પત્નીની ઈચ્છા નથી.  કેટલી દિશાહીન ઝીંદગી…!!!શું વાંક હતો એ ૧૩ અને ૧૬ વર્ષના બે બાળકોનો કે એનું ભણતર છીનવાય જવાના આરે છે. પત્ની પર ૩,૧૧,૦૦૦/- નું દેવું છે. અને જો ભરપાય ના કરવામાં આવ્યું તો ઘર પણ ગુમાવાનો સમય આવે એવી શક્યતાઓ છે. આવકમાં હાલમાં પેન્શન ૨,૦૦૦/- પ્રતિ માસ સિવાય કાંઈ જ નથી……..

ક્યાં ગયો એ માયાળુ ? ક્યાં ગયો રહેમાન ? ક્યાં ગયો એ વાહેગુરુ ?? બધાની આંખો બંધ હતી જયારે પરિવાર સાથે આવી રમત રમાય ?? આ પરિવારના બે મહિના કેમ ગયા હશે એ વિચારીને જ મારું હૃદય તો દ્રવી ઉઠે છે. માન્યું કે માણસાઈ વેચાય રહી હતી પણ એ મુજબ તો ભગવાનની ખુદાઈ પણ આંખો બંધ કરીને આ બધું માણી જ રહી હતી ને..!!!! સવાલ સહાય નો નથી એ તો કરવાવાળા છે જ અને રસ્તો મળી જશે; એવી મારી આશા છે. પણ મારી આંગળી ઉઠે છે એના પર જે લોકોના જીવન પર આમ પ્રશ્નાર્થ મૂકી દે છે. સવાલ ઉઠે છે એના અસ્તિત્વ પર કે શું ખરેખર ઈશ્વર છે ????? મને તો ક્યારેય લાગ્યું નથી કે ઈશ્વર છે. કેમ કે જો એ હોત તો એણે આવું થવા જ ના દીધું હોત.!!!!! લખવાનું કારણ લોકોને વિચારતા કરવાનો છે. લોકોને અવગત કરવાનો છે કે સમય ગમે ત્યારે ગમે તે સવાલ પૂછી લે તો આપને ભલે જવાબ ના આપી શકીએ પણ જવાબ આપવા તૈયાર તો રહેવું જ જોઈએ.

“ઇશ્વર અળગો થઇ રહ્યો છે…..” (લેખાંક-૨)


હમણા ઘરે ગયો હતો ટી.વી. જોવાનો મોકો પણ મળ્યો. મે ટી.વી. ચાલુ કર્યુ તો બની બેઠેલાં કેટલાય સંતો જોયા. એમના ધતિંગ પણ જોયા. એ જોઇ આ લેખ લખવાનુ વિચાર્યુ.

એક સમય હતો જ્યારે લોકો કોઇ ઓલિયા માણસને “સંત” કહેતા. અને એક આજ છે જ્યા લોકો પોતાને સંત કહેવડાવે છે. આજના સંતો એ.સી. કારમાં જ ફરે છે, એક નહી બે-ચાર વાર ખાય છે, સન્યાસ લેવાને બદલે સંસારમાં “ઉપદેશ” આપવા રહે છે. સમજાતુ નથી કે લોકો શુ જોઇ આ ઢોંગી ધુતારઓને (‘સારા શબ્દોમાં કહુ તો ધર્મના નામે ધતિંગ કરનારાઓ) આટલુ મહત્વ આપે છે.!!! આજનો આ કહેવાતો સંત ટ્રસ્ટ બનાવીને અબજો રૂપિયા ઉભા કરે છે; અને એ સમય હતો જ્યારે સંત રૂપિયા તો શુ પીવાનુ પાણી પણ એક જ લોટો ભરીને રાખતા. આજે ટીવી ચાલુ કરો એટલે કેટલાય કહેવાતા “સંતો”ના ભાષણ ચાલુ જ હોય. મને એ જોઇ એક જ વિચાર આવે કે, “શુ આજનો માનવી એટલો બધો પાંગળો થઇ ગયો છે કે ઇશ્વર શુ છે એ જાણવા પણ એણે આ ધુતારા પાસે જાવુ પડે ? આટલી નરી મુર્ખતા !!!!!

આવા સંતો માટે તો મારા માટે શાયર શયદાના શબ્દો છે,

કોઇની સાથે મેલાં મનથી ખેલ મા; તુ ધરા પર છે, ગગનથી ખેલ મા,

ઠામ-ઠેકાણુ નહિ શયદા મળે, તુ જ ખુદ તારા પતનથી ખેલ મા…..

મારા વિચાર પ્રમાણે સંત એક એવો અલગારી માણસ હોવો જોઇએ જેને સમાજની કોઇ પડી જ ના હોય. મારા ગામમાં ઘણા વર્ષો પહેલાં એક સુફી સંત થઇ ગયા જેને હું ખરા અર્થમાં સંત કહુ છું. એમનુ નામ શંકરદા. એ માણસ ગામથી દૂર એક ઉજ્જડ જગ્યાએ બેસતાં, કોઇ ખાવાનુ આપે તો ખાતા, કોઇ ના આપે તો શુ કરતાં એ ખ્યાલ નથી. કોઇ પણ વ્યક્તિ એમની પાસે જાય તો પ્રેમથી ચા પિવડાવતા. લોકો ભાવથી એમની પાસે એમનો વિચાર જાણવા જતાં. ગામમાં કંઇ કામ પડે તો સાઇકલ પર જ આટલે દૂર આવતાં. તમને એમના એક-બે પરચા કહુ. એકવાર એમનાં એ ઉજ્જડ ઘરથી (આમતો ઝૂપડુ જ હતુ) લગભગ ૨૫ કિલોમીટર દૂર એક જગ્યાએ ગયા હતા. ત્યાંથી બધા એમનાં આશ્રમ પાછા જવા નિકળ્યા. એમની સાથે આવેલાઓ એ મોટર-કારમાં આવવા કહ્યુ. એમણે ઘસીને ના પાડી અને ખૂબીની વાત એ કે પેલાં લોકો કારમાં આશ્રમ પહોંચે એ પહેલાં શંકરદા ત્યાં પહોંચી જતા. કેવી રીતે એ કોઇને ખબર નહી. રસ્તો એક જ અને ‘ઓવરટેક’ કરતાં પણ જોયા નહોય. હુ એવુ નથી કહેતો કે સંત પાસે આવી અલૌકીક શક્તિ હોવી જ જોઇએ પણ સાચા સંતને આ કુદરતની બક્ષિસ મળે જ છે.

બીજો એક અનુભવ કહુ તો એકવાર એમની સાયકલનુ અડધી રાત્રે પંક્ચર પડી ગયુ. રસ્તો સાવ સુમસામ હતો. એવામાં એમનો જાણકાર એક રિક્ષાચાલક ત્યાંથી પસાર થયો. એમણે રિક્ષામાં આવી જવા આગ્રહ કર્યો એટલે શંકરદા એમા બેઠા. રિક્ષાચાલકે એક ખુલાસો કર્યો કે રિક્ષામાં પેટ્રોલ બહુ જ થોડુ છે પણ એ આશ્રમ સુધી પહોંચાડવા કોષિશ કરશે. શંકરદા ફક્ત એટલુ જ બોલ્યા કે પેટ્રોલ પુરૂ નહી થાય. તમે નહી માનો પણ એ રાત પછી રિક્ષાચાલકે એક આખો દહાડો રિક્ષા ચલાવી પણ પેટ્રોલ ખલાસ જ ના થાય. પછી એને વિચાર આવ્યો કે પેટ્રોલ-ટાંકી તપાસી જોવુ કે આ રિઝર્વમાં આવેલુ પેટ્રોલ પત્યુ કેમ નહિ. અને જેવુ એમણે પેટ્રોલ-ટાંકી ખાલી જોઇ અને પછી રિક્ષા ચાલુ કરી તો થઇ જ નહિ. પછી એને સમજાયુ કે શંકરદા એ જ એ ચમત્કાર કર્યો. પછી પેટ્રોલ ભરાવ્યુ અને ચાલુ થઇ ગઇ.

શંકરદાના દેહએ જ્યારે વિદાય લીધી ત્યારે હિંદુ અને મુસ્લિમ વચ્ચે ઝઘડો થયો એમના દેહને અંતીમ સંસ્કાર આપવા અંગે. એ મામલો કોર્ટ સુધી ગયો અને એવો ચુકાદો અપાયો કે ના તો એમના દેહને અગ્નિ-સંસ્કાર અપાશે કે ના તો દફનાવવામાં આવે, પણ એમને સમાધિ આપવામાં આવે. આજે પણ એની વર્ષગાંઠ પર લોકો ને જમાડવામાં આવે છે અને અન્ય સામાજીક પ્રવ્રુત્તી કરવામાં આવે છે એમના મુખ્ય મિત્રો/ભકતો બધા દ્વારા સાથે મળીને. તમારે પણ ક્યારેય દ્વારકા જવાનુ થાય તો દ્વારકા હાય-વે પર રસ્તામાં જ એક નાની અમથી જગ્યા આવશે.અચુક જજો. આવા સંત કોઇ ધર્મના ઉપાસક કે દલાલ ના હોય. એ રીત-ભાત, જાતિ, ધર્મ, છૂત-અછૂત એ બધા ભેદભાવથી પર હોય છે. એ ધર્મની નહી “માનવતા”ની અસ્મિતા જાળવવા જીવે છે. સાંઇબાબા સાક્ષાત્ એનુ ઉદહરણ છે.

અત્યારની પરિસ્થિતિ જોતા એક ખાતરી ચોક્કસ આપી શકાય કે બહુ જ ઓછા સમયમાં હવે “સંત” બનવા માટે પણ શાળાઓ ખુલવા માંડશે. એનો પણ એક અભ્યાસનો કોર્ષ બની જાશે તો નવાઇ નહિ. આશા રાખુ કે લોકો આ બધા પાસે જવા કરતા પોતે સાફ મને ગમે ત્યારે ખરા દિલથી પ્રાર્થના કરે તો ધર્મ કોઇ પણ હોય ઇશ્વર ખુશ થશે અને તમારુ ભલુ થાશે જ. એના માટે આ દલાલોને પગે લાગવાની કે ભાષણો સાંભળવાની જરૂર નથી. તમારા મા-બાપ તમારી પાસે જ છે એમને પગે લાગો તો ઇશ્વરના દર્શન થઇ ગયા અને એમને ખુશ રાખો તો ઇશ્વરને મનાવી લીધા સમજો. બીજે ક્યાય જવાની જરૂર નથી. જો મા-બાપ પાસે ના હોય તો એક વાર આંખ બંધ કરી યાદ કરી લો. બાકી તો જો લોકો આવા ધુતારા પાસે જ જાતા રહેશે તો ઇશ્વર અળગો જ જતો રહેશે. કેમકે ઇશ્વરને પણ આવા ધુતારાને ભગવાન સાથે સરખાવવામાં આવેતો દુ:ખ થાય જ એ સ્વાભાવિક છે.

લી. હિતાર્થ ઢેબર

“ઇશ્વર અળગો થઇ રહ્યો છે…..” (લેખાંક-૧)


પહેલા થોડુ મારા વિશે….

હુ મુળ જામ-ખંભળિયા ગામનો છુ પણ છેલ્લા પાંચ વર્ષથી વડોદરામાં ઉચ્ચ અભ્યાસ માટે આવ્યો છુ. એટલે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેલો વિરોધાભાષ બહુ સારી રીતે જાણી શક્યો છુ. હાલ સી.એ.-ઇન્ટર અને બી.કોમ છુ. સી.એ.-ફાઇનલની પરિક્ષા આપી રહ્યો છુ. હુ કોઇ ધર્મમાં નથી માનતો. મારો ધર્મ “માનવ ધર્મ” જ છે. મારા ઇશ્વર મારા મા-બાપ, દાદા-દાદી, નાના-નાની, બહેન, પુસ્તક, ભોજન, ગુરુઓ, વડિલો વિગેરે બધા જ જેના પ્રત્યે મને માન અને આદર છે; જેને મને અત્યાર સુધી એક યા બીજી રીતે ક્યારેક માગ્યા વગર તો ક્યારેક માગ્યા પછી મદદ કરી છે અને મને જિંદગીના પડકાર ઝિલવા કાબેલ બનાવ્યો છે; એ મારા ઇશ્વર છે. હવે તમે મને નાસ્તિક સમજો તો એ અને આસ્તિક સમજો તો એમ.

આ લેખ ચાલુ કરવાનુ કારણ..???

આજે હુ આમજ એક મંદિર પાસેથી પસાર થયો એટલે આ લખવાનુ મન થઇ ગયુ. આજે જ નહિ પણ રોજ કોઇ ને કોઇ એવી ઘટના જોવુ છુ જે મારા મતે બાહ્યાડંબર છે. આ લખવાનુ કારણ કોઇ ધર્મને લાગણી દુભાવાનુ નથી પરંતુ બને તો લોકોને જાગ્રત કરવાનુ છે. લોકોની આંખો ખોલવાના હેતુથી આ લેખ ચાલુ કર્યો છે. હવેથી જ્યારે પણ આવુ કંઇક નિરિક્ષણ કરીશ ત્યારે આ લેખ આગળ વધારીશ. આમ તો બહુ બધુ વિચારી રાખ્યુ છે બસ ટાઇપ કરુ એટલી વાર છે. કદાચ જો આ બધુ જે આગળ લખ્યુ છે એ અયોગ્ય હોય તો લોકોનુ ધ્યાન દોરવા માટે લખુ છુ; મારા મતે તો આઅયોગ્ય જ છે પણ દરેક વ્યક્તિના વિચાર સરખા નહી હોતા ને… કોઇ કવિ એ એટલે જ કહ્યુ છે ને કે,

જુદી છે જિંદગી મિજાજે – મિજાજે, જુદી છે બંદગી નમાજે – નમાજે,

છે એક જ સમંદર થયુ એટલે શુ?જુદા છે મુસાફિર જહાજે – જહાજે.

હવે મુખ્ય મુદ્દા પર આવુ. સમય બદલાતો રહે છે અને સાથે સાથે લોકો પણ… આજની જિંદગીમાં સમયને વધુ મહત્વ અપાય રહ્યુ છે. માણસનો ઉપયોગ થઇ રહ્યો છે અને વસ્તુઓ સચવાઇ રહી છે… એક સમય હતો જ્યારે માયા, લાગણી, મમતા વગેરે ને વધુ મહત્વ અપાતુ હતુ અને એક આજ છે જ્યા સ્વાર્થને (પોતાની જરૂરિયાત) વધુ મહત્વ અપાય રહ્યુ છે. “Use and Throw” વસ્તુઓની જેમ માણસને પણ જરૂરિયાત પ્રમાણે “Use and Throw” કરવામાં આવી રહ્યો છે. માણસને તો હજુ સમજ્યા પણ ઇશ્વરને પણ “બનાવાઇ” રહ્યો છે. અને કદાચ એટલે જ ઇશ્વર પણ લોકો થી અળગો જઇ રહ્યો છે. કોઇ કલાકારે સાચુ જ કહ્યુ છે‌‌—

મને એ જોઇ હસવુ હજારો વાર આવે છે; પ્રભુ,

તારા બનાવેલા આજે તને જ બનાવે છે…..!!

 એક સમય હતો જ્યારે મંદિરોમાં ગૌધુલિક સમયે ભાવભરી આરતી થાતી હતી. નર અને માદાની નોબતની બેલડીના પડકાર સામે ઝાલરનો રણકાર, અને શંખનો પોકાર મંદિરોને ગુંજવી મુકતો અને સાથે સાથે ધુપ-દીવાની સુગંધ વાતાવરણને વધુ આધ્યાત્મિક બનાવી દેતા… જ્યારે આજે આ નોબત અને ઝાલરનુ સ્થાન ઇલેક્ટ્રિક કે રેકોર્ડેડ સીડીએ લઇ લીધુ છે. એ સમયે પુજારી આધ્યાત્મના આવેશમાં નાચતા નાચતા આરતી ઉતારતો અને આજ છે જ્યા અતિથિ-વિષેશ લોકો દ્વારા આરતી કરવામાં આવે છે એ પણ “ sophisticatedly”. મોટા ભાગે એ પણ નેતઓ જ હોય છે કે જેણે કદી એક પણ સારુ કામ ના કર્યુ હોય. કેવી વિસંગતતા..!!!

એક સમયે જ્યારે આરતી પતે એટલે સ્ત્રિઓ ઇશ્વરનુ સ્તુતિ ગીત ગાતા. આજે…?? અરે મંદિરમાં આરતીના સમયે હોય છે જ કોણ ? પોતાના સમયે જ એટલે કે બીજા “વધુ મહત્વના કામો”માંથી નવરાશ મળે અને થોડો દેખાડો (આજ-કાલ જેને “show off” કહેવય છે એ) કરવો હોય તો પહોંચી જાય છે. આવામાં ઇશ્વર ના ખુશ થાય પણ આજનો માનવી એના માટે અળખામણો જરૂર થઇ જાય. ઇશ્વર અળગો થતો જાય છે…..

જોકે મારા વિચારો કહુ તો હુ તો ઇશ્વરને મારા મનમાં જ વસાવીને ફરુ છુ એટલે મને મંદિરની જરૂર નથી. મારે મારા ઇશ્વરને રાજી કરવાની જરૂર નથી. મારો ઇશ્વર લાલચી નથી કે એને પ્રસાદ ધરવો પડે કે ઉપવાસ કરવો પડે કે રોજ મંદિરે જવુ પડે તો જ ખુશ થાય. મારી ભક્તિ એટલી પાંગળી નથી કે એ આવી નાની-નાની ક્ષુલ્લક માન્યતાઓની મોહતાજ બની જાય. અને સાચુ કહુ તો દુનિયાનો કોઇ પણ ભગવાન આવુ નથી કહેતો હોતો. એ બસ આંધળુ અનુકરણ છે, બીજુ કંઇ નહિ.

વધુ આવતા ઇશ્વર અળગો થઇ રહ્યો છે….. વિષેના કોઇ નવા મુદ્દા પર મારો વિચાર જણાવીશ.

લી. હિતાર્થ ઢેબર